તમે કેનેડામાં અભ્યાસ માટે અરજી કરો તે પહલાં નિયમો જાણી લો

કેનેડાના નકશા તરફ નિર્દેશ કરતા વિમાન સાથે કમ્પ્યુટર, પેપરવર્ક અને પાસપોર્ટ દર્શાવતું ગ્રાફિક

એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે કેનેડામાં અભ્યાસ કરવો એક રોમાંચક સાહસ બની રહે તેમ છે. તમે વિદ્યાર્થી વીઝા (અભ્યાસ માટેની પરવાનગી) માટે અરજી કરો તે પહેલાં એ અગત્યનું છે કે તમે પ્રક્રિયા અને ઇમિગ્રેશનમાં થતી છેતરપીંડીથી પોતાને સલામત કેવી રીતે રાખવા તે સમજી લો.

આ પાનાં પર

અભ્યાસ માટેની પરવાનગીઓ

વિદ્યાર્થી માટે પરવાનગી (વિદ્યાર્થી વીઝા) એ ઇમિગ્રેશન, રેફ્યુજીઝ ઍન્ડ સિટિઝનશીપ કેનેડા (IRCC) (કેનેડા સરકાર) દ્વારા જારી કરવામાં આવતો દસ્તાવેજ છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવા મંજૂરી આપે છે.

વિદ્યાર્થી માટેની પરવાનગી માટે અરજી કરવા માટેનો ખર્ચ CAN$150 થાય છે.

તમે પોતાની જાતે અરજી કરો કે પછી તમારી અરજી દાખલ કરવામાં મદદ લો એ બંને કિસ્સામાં, અરજીમાંની માહિતી માટે તમે જવાબદાર છો. ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતી પુરી પાડવાના પરિણામે તમારી અરજી નકારાઈ શકે અને તમને 5 વર્ષ સુધીના સમયગાળા માટે કેનેડામાં પ્રવેશવાથી પ્રતિબંધિત કરી શકાય.

વિદ્યાર્થી પરવાનગી અરજીની પ્રક્રિયા વિશે તથ્યો

તમે પોતાની જાતે અભ્યાસ માટેની પરવાનગી માટે અરજી કરી શકો છો, અથવા તમે પ્રતિનિધિનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો.

તમે અભ્યાસ માટેની પરવાનગી માટે અરજી કરો તે પહેલાં, કોઈ નિર્દિષ્ટ શૈક્ષણિક સંસ્થા (DLI) દ્વારા તમને સ્વીકારવામાં આવે તે જરૂરી છે.

કેનેડામાં આવેલી બધી જ શૈક્ષણિક સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્વીકારી શકે તેવું નથી હોતું.

તમે જે શૈક્ષણિક સંસ્થામાં અરજી કરતા હોવ તે નિર્દિષ્ટ શૈક્ષણિક સંસ્થાઓની સૂચિમાં હોય તે સુનિશ્ચિત કરો.

અભ્યાસ માટેની પરવાનગી માટે અરજી કરવા માટે, તમારે નિમ્નલિખિત પૂરા પાડવા જરૂરી હશે:

  • DLI તરફથી સ્વીકૃતિ પત્ર
  • ઓળખનો પુરાવો
  • તમારી પાસે પહેલા વર્ષની ટ્યુશન ફી અને મુસાફરીના ખર્ચા ઉપરાંત ઓછામાં ઓછા $20,635 છે તેનો પુરાવો
  • તમે જે પ્રોવિન્સ અથવા ટેરિટરીમાં અભ્યાસ કરવાનું આયોજન કરી રહ્યાં હોવ તેમનો પ્રમાણન કરતો પત્ર

અભ્યાસ માટેની પરવાનગી માટે અરજી કરતાં પહેલાં તમારે માટે જરૂરી દસ્તાવેજો વિશે વધુ જાણો.

જો તમારી અરજી નકારવામાં આવે, તો ફરી એ જ માહિતી સાથે અરજી કરવાથી તમારી પ્રક્રિયા ઝડપી નહિ બને અથવા અભ્યાસ માટેની પરવાનગી નકારાવાનો નિર્ણય બદલાશે નહિ. તમે ફરી અરજી કરો તે પહેલાં એ સુનિશ્ચિત કરો કે તે નકારાવાનું કારણ તમે સમજી લીધું હોય.

અભ્યાસ માટેની પરવાનગી અને અરજીની પ્રક્રિયા વિશે વધુ જાણો.

છેતરપીંડીની ચેતવણી આપતાં ચિહ્નો

જો કોઈ આવું કરે તો તમારી સાથે છેતરપીંડી થતી હોઈ શકે:

  • તમને કેનેડામાંની નિર્દિષ્ટ શૈક્ષણિક સંસ્થા (DLI) તરફથી સ્વીકૃતિ પત્ર વિના વિદ્યાર્થી વીઝા માટે અરજી કરવા કહે
    • નોંધ: તમે અભ્યાસ માટેની પરવાનગી માટે અરજી કરી શકો તે પહેલાં તમારી પાસે સ્વીકૃતિનો પત્ર હોવો જરૂરી છે. છેતરપીંડી ટાળવા માટે સ્વીકૃતિ પત્ર DLI સીધો તમને મોકલે તેવું કરો.
  • તમને ખાતરી આપે કે જો તમે પૈસા ચુકવો તો તમને DLI તરફથી સ્વીકૃતિ પત્ર મળશે
    • નોંધ: પ્રવેશના કોઈપણ દસ્તાવેજો પૂરાં પાડતાં પહેલાં DLI અથવા માન્યતાપ્રાપ્ત સંસ્થા તમારી ભાષાકીય અને શૈક્ષણિક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરશે, તમારી ઓળખની પુષ્ટિ કરશે અને ટ્રાન્સ્ક્રિપ્ટ, સંદર્ભ પત્રો અથવા રહેવાસી સ્થિતિના પુરાવા માટે વિનંતી કરશે.
  • તમને એવું કહે કે તમે તેમને પૈસા આપો તો બદલામાં ટ્યુશનનો ઘટાડેલો દર અપાવશે
    • નોંધ: ફી અંગે ચર્ચા કરવા સીધી શૈક્ષણિક સંસ્થા સાથે વાત કરો. ટ્યુશન ફી હંમેશા સીધી શૈક્ષણિક સંસ્થાને ચુકવો.
  • તમને કોઈ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માટે પૈસા ચુકવવા માટે કહે અથવા એવી ખાતરી આપે કે તમારી શિષ્યવૃત્તિ મંજૂર થઈ જશે.
    • નોંધ: શિષ્યવૃત્તિ માટે અરજી કરવી સામાન્યપણે વિનામૂલ્યે હોય છે અને તમને તે મળશે એવી ખાતરી કોઈ આપી શકતું નથી.
  • તમને કહે કે તમારી અભ્યાસ માટેની પરવાનગીના સમય કરતાં ઘણો લાંબો સમય સુધી તમે કેનેડામાં રહી શકો છો
  • તમને જણાવે કે તમામ DLI અને અભ્યાસ કાર્યક્રમો તમને પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ (Post-graduation Work Permit, PGWP) માટે પાત્ર બનાવી શકે છે
  • તમને નોકરી અથવા કાયમી રહેવાસી (PR) મળવાની ખાતરી આપે
  • તમને સોશિયલ મીડિયા થકી દસ્તાવેજો અથવા ચુકવણી મોકલવા કહે

છેતરપીંડી વાળી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે જાણ કરીને પોતાને અને અન્યોને સલામત બનાવો.

પ્રતિનિધિ થકી કામ કરવું

તમે પોતાની જાતે અભ્યાસ માટેની પરવાનગી માટે અરજી કરી શકો છો અથવા તમે કોઈને અરજી પ્રક્રિયામાં તમને મદદ કરવા માટે અને/અથવા તમારા માટે અરજી કરી આપવા માટે પસંદ કરી શકો છો. કેનેડામાં, તમારી અરજી સંબંધે તમને મદદ કરનાર વ્યક્તિને "પ્રતિનિધિ” કહેવામાં આવે છે.

પ્રતિનિધિઓ વિશે તમારી અરજીમાં જાહેરાત કરવી અનિવાર્ય છે, પછી ભલેને તમે તેમને વળતર ન ચુકવી રહ્યાં હોવ.

તમારી અરજીમાં માહિતી જાહેર કરવામાં નિષ્ફળ રહેવુંખોટું બોલવા બરાબર ગણાય છે, અને તમારી અરજીને નકારવામાં આવી શકે.

પ્રતિનિધિઓ અંગે તથ્યો:

તમારી અભ્યાસ માટેની પરવાનગી માટે અરજી કરવા અને તમારા વતી કેનેડા સરકાર સાથે સંચારણ કરવામાં તમને મદદ કરી શકે તેવા 2 પ્રકારના પ્રતિનિધિઓ હોય છે:

વળતર આધારિત પ્રતિનિધિઓ

તેઓ પોતાની સેવાઓ માટે પૈસા વસૂલવા માટે થઈને કેનેડામાંની નિયામક સંસ્થા દ્વારા અધિકૃત હોવા અનિવાર્ય છે તેઓ ફી સામે તમારે માટે ફોર્મ ભરી આપે છે અને તમારી અરજી જમા કરાવે છે.

આ પ્રતિનિધિઓ નિયમન હેઠળના વ્યવસાયિકો હોય છે જેમને કેનેડાની ઇમિગ્રેશન અને અરજી પ્રક્રિયાઓની સમજ હોય છે. તેઓ અલગ-અલગ વીઝા વિશે સમજાવી શકે છે અને તમને તમારી અરજી અંગે સલાહ આપી શકે છે.

વળતર આધારિત પ્રતિનિધિઓ:

  • વકીલો
  • પૅરલીગલ (કાનૂની સહાય આપનારા)
  • ક્યુબેક નોટરી
  • કૉલેજ ઑફ ઇમિગ્રેશન ઍન્ડ સિટિઝનશીપ કન્સલ્ટન્ટ્સ પાસે નોંધાણી થયેલા કન્સલ્ટન્ટ્સ (સલાહકારો)
વળતર વિનાના પ્રતિનિધિઓ

તેઓ ફી વસૂલ્યા વિના તમને અરજી પ્રક્રિયામાં મદદ કરે છે. તેઓ ફી સામે તમને ફોર્મ્સ ભરવામાં અને તમારી અરજી જમા કરવામાં મદદ કરશે.

વળતર વિનાના પ્રતિનિધિઓમાં આમનો સમાવેશ થાય છે

  • મિત્રો
  • પરિવારના સભ્યો

પ્રતિનિધિઓ વિશે વધુ જાણો.

અનધિકૃત પ્રતિનિધિઓને કામે ન રાખો

કેનેડામાં નિયામક સંસ્થા દ્વારા લોકોને કેનેડા માટે ફોર્મ્સ ભરી આપવા અને ઇમિગ્રેશન અરજીઓ જમા કરાવવામાં મદદ કરવા માટે અધિકૃત કરાયેલા ન હોય તેવી કોઈપણ વ્યક્તિ દ્વારા ફી વસૂલવી ગેરકાયદેસર છે.

અનધિકૃત પ્રતિનિધિઓના નામ આ હોઈ શકે

  • વીઝા એજન્ટ
  • ઇમિગ્રેશન એજન્ટ
  • વીઝા ફિક્સર

કેનેડામાં તેમને “અનઑથોરાઇઝ્ડ પ્રેક્ટિશનર્સ (અનધિકૃત કામગીરી કરનારા)” કહેવામાં આવે છે. તેઓ તમને ઇમિગ્રેશન પ્રક્રિયામાં મદદ કરવા માટે ફી વસૂલે છે, પરંતુ તેમની કેનેડાની નિયામક સંસ્થા સાથે નોંધણી થયેલી હોતી નથી. અનધિકૃત પ્રતિનિધિઓ કેનેડાના ઇમિગ્રેશન અધિકારીઓ સાથે વિશેષ જોડાણ નથી ધરાવતા હોતા. આવા કોઈને કામે લગાડવાથી તમારી અરજી પર પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવામાં મદદ નહિ મળે.

અનધિકૃતિ પ્રતિનિધિઓ અંગે તથ્યો

કોઈ અનધિકૃત પ્રતિનિધિને કામે લગાડવાથી તમે જોખમમાં મૂકાઈ શકો છો.

  • તેઓ ખરાબ સેવા આપીને અથવા કોઈ સેવા આપ્યા વિના ઘણા બધા પૈસા વસૂલી લે તેવું બની શકે અને તેમની કામગીરી તમારી ઇમિગ્રેશન માટેની પાત્રતાને પ્રભાવિત કરી શકે છે.
  • ઘણા એવી ખાતરી આપશે કે જો તમે તેમને કામે રાખો તો તેઓ તમને અભ્યાસ માટેની અથવા કાયમી રહેવાસી (PR) પરવાનગી મેળવી આપશે. IRCC દ્વારા જારી કરવામાં આવતી અભ્યાસ માટેની, કામ માટેની પરવાનગીઓ અથવા PR બાબતે કોઈ ખાતરી આપી શકે નહિ.
  • અનધિકૃત પ્રતિનિધિઓ ઘણીવખતે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરે છે. કેનેડાની સરકાર નકલી દસ્તાવેજો પર નજર રાખવા માટે થઈને અધિકારીઓને તાલીમ આપવા માટે ભાગીદારો સાથે કામ કરે છે. અરજીમાં ખોટું જણાવવું અથવા નકલી કે છેડછાડ કરેલા દસ્તાવેજો મોકલવા એક ગંભીર ગુનો છે.
  • જો કેનેડાના વીઝા અધિકારીને તમારી અરજીમાં ખોટી માહિતી મળી આવે, તો તમારે પરિણામ ભોગવવાના રહે છે. તમારી અરજીને નકારવામાં આવશે, અને તમને અરજી કરવાથી 5 વર્ષ સુધીના સમય માટે પ્રતિબંધિત કરવામાં આવી શકે. જો તમે કેનેડા પહોંચી ગયા હોવ, તો તમને દેશમાંથી બહાર કરવામાં આવી શકે. ઇમિગ્રેશન અને નાગરિકત્વ છેતરપીંડીના પરિણામો વિશે વધુ જાણો.

પોતાને છેતરપીંડીથી સલામત રાખો

  • લેખિત કરાર કરો તેમજ અરજી ફી અને તમે જે સેવાઓ માટે ચુકવણી કરો છો તેની તથા અરજીની ફીની મુદ્દાવાર વિગતો મેળવો અને તમે કરો તેવી દરેક ચુકવણી માટે સહી કરેલી રસીદ લો.
  • તમે તમારી અરજી પર સહી કરો તે પહેલાં, એ સુનિશ્ચિત કરો કે તમારી અરજીમાં અને આધારરૂપ દસ્તાવેજોમાંની તમામ માહિતી સાચી છે અને તમે બધી બાબતો સમજ્યા છો.
  • ક્યારેય કોરાં ફોર્મ્સ અથવા અરજીઓ પર સહી ન કરો.
  • તમારા મુલાકાતી વીઝા અથવા eTA માટે તમારી પાસેથી અરજી ફી વસૂલે તેવા પ્રતિનિધિઓથી સાવધ રહો.
    • મુલાકાતી વીઝા અને eTAs ને તમારી અભ્યાસ માટેની પરવાનગી સાથે વિના મૂલ્યે આપમેળે જારી કરવામાં આવે છે, તમારે અલગ અરજી જમા કરાવવાની જરૂર નથી હોતી.
  • જ્યારે પ્રતિનિધિ કેનેડા સરકારની ઑનલાઇન પ્રણાલી થકી તમારી અરજી જમા કરાવે ત્યારે તે મોકલવામાં આવી છે તે સુનિશ્ચિત કરવા માટે હાજર રહો.
    • છેતરનારાઓ તમને એવું કહી શકે કે તેમણે તમારી અરજી મોકલી આપી છે, પરંતુ તેમણે ખરેખર મોકલી ન હોય.
  • ટ્યુશન ફી હંમેશા સીધી શૈક્ષણિક સંસ્થાને ચુકવો.

પોતાને ઇમિગ્રેશન અને નાગરિકત્વ છેતરપીંડીથી સલામત રાખવા શું કરવું તે વિશે વધુ જાણો.

Détails de la page

Date de modification :